Thursday, April 17, 2014

ચૂંટણીમાં જા‌તિવાદ અને પ્રાંતવાદના ‌વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ

ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો.

આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર્ણ બાદબાકી કરી નાખી. ઊલટું, ભ્રષ્ટાચાર, કાળાબજારી, લાઇસન્સરાજ તથા કૌભાંડો વડે દેશના રાજકારણને ખરડી મૂક્યું. ભ્રષ્ટાચારને રાજકારણનો ભાગ ગણાવી તેને સમર્થન આપનાર સૌપ્રથમ રાજકીય આગેવાન ઇન્દિરા ગાંધી હતાં, જેમનાં માટે વિખ્યાત અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ જાહેરમાં કહેલું કે, 'Indira Gandhi is the fountainhead of all corruption in India'. દેશ પર ઇમરજન્સી લાદી સરમુખત્યારશાહી રાજ ચલાવનાર ઇન્દિરાએ ભ્રષ્ટાચારને એટલી હદે પોષ્યો કે લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર નાબૂદી પહેલી વાર મુખ્ય મુદ્દો બન્યો, જેને આગળ ધરી મોરારજી દેસાઇએ દિલ્લીમાં જનતા સરકાર રચી. દેડકાની પાંચ શેરી જેવી તે સરકારમાં આંતરિક વિખવાદોનો પાર ન હતો, એટલે સરકારનું ટૂંક સમયમાં બાળમરણ થયું. દિલ્લીની ખુરશી પર ત્યાર બાદ ચૌધરી ચરણસિંહ બિરાજ્યા, જેમની પણ સરકાર આંતરિક કાવાદાવા અને સત્તાલોભના વાંકે લાંબો સમય ટકી નહિ. આમ માત્ર ૩ વર્ષના સમયગાળામાં બે સરકારો બદલાઇ. શંભુમેળા જેવી સરકારોના સત્તાપલટાથી ત્રસ્ત બનેલી પ્રજા પાસે બીજો કોઇ રાજકીય આગેવાન નહોતો, એટલે ન મામા કરતાં કહેણો મામો સારો એ ઉક્તિ મુજબ ઇન્દિરા ગાંધીને ફરી દિલ્લીની ગાદીએ બેસવાનો લાભ દેશની પ્રજાએ આપવો પડ્યો. અહીં અન્ડરલાઇન કરવા જેવો મુદ્દો એ કે દેશના નેતાની પસંદગી સિલેક્શનને બદલે મજબૂરીના ધોરણે કરવામાં આવી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ કોઇ પણ જાતની રાજકીય લાયકાત યા પોલિટિકલ મુદ્દા વિના માત્ર સહાનુભૂતિના જોરે વડા પ્રધાન બન્યા. ભ્રષ્ટચારનો દોર તેમણે પણ બોફર્સ કૌભાંડ થકી આગળ ચલાવ્યો, એટલે વી. પી. સિંહે તેમને સત્તામાંથી ઉખાડી નાખવામાં સફળ રહ્યા.
દિલ્લીમાં ત્યાર બાદ એક પછી એક કરીને ઘણી સરકારો બદલાઇ. સત્તાપલટામાં તેમજ સત્તા રચવામાં ભ્રષ્ટાચાર નાબૂદી, હિંદુત્વ, રામમંદિર, જાતિવાદ, પ્રાંતવાદ, ગરીબી હટાઓ વગેરે જેવા મુદ્દાઓ જ કેંદ્રસ્થાને રહ્યા. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ વિકાસનો મુદ્દો હંમેશાં બાજુએ રહી જવા પામ્યો. લોકસભાની કોઇ ચૂંટણી એ મુદ્દા પર લડાઇ નહિ, કારણ કે વિકાસની ભાષા બોલી શકે અને લોકોના ગળે તે ભાષા શીરાની જેમ સહજતાથી ઉતરાવી શકે તેવા રાજકીય આગેવાનોનો આપણે ત્યાં દુકાળ હતો. આમાં અપવાદ તરીકે નરસિંહ રાવને યાદ કરવા રહ્યા, જેમને દેશના પાતાળમાં ગયેલા આર્થતંત્રને ઉદાર આર્થિક નીતિ વડે નવી ઊંચાઇએ પહોંચાડ્યું. (આ ‘અપરાધ’ કરવા બદલ તેમને ખુદ પોતાની પાર્ટીના સિનિઅર કાર્યકરોએ બહિષ્કૃત કર્યા હતા). સરકારને બાબુશાહી ઢબે નહિ, બલકે કોર્પોરેટ કંપનીની માફક ચલાવી શકાય એનો દાખલો નરસિંહ રાવે બેસાડ્યો, પણ તેમની એ ઉમદા નીતિને આગળ ધપાવવાની દરકાર ત્યાર પછીના કોઇ નેતાએ કરી નહિ. એક મોટું કારણ એ માટે જવાબદાર હતું: ભારતના રાજકારણમાં ધર્મ, જાતિવાદ, પ્રાંતવાદ, પરિવારવાદ જેવા ક્ષુલ્લક મુદ્દાઓ એટલે ઊંડે સુધી પકડ જમાવી ચૂક્યા હતા કે વિકાસને લગતા મૌલિક વિચારોને તેમાં અવકાશ રહ્યો નહોતો. હજી પણ નથી.

આમ છતાં આજે એક નેતાએ નરસિંહ રાવની જેમ વિકાસની ભાષા અપનાવીને રાજકારણમાં સામા પ્રવાહે ઝંપલાવ્યું છે. (રાજકારણમાં વિકાસનું મોડલ કેટલું કારગત નીવડે તેનાં ગુજરાતમાં માનો યા ન માનો જેવાં પ્રેક્ટિકલ ઉદાહરણો તેમણે આપ્યાં છે). માત્ર વિકાસના તેમજ રાષ્ટ્રહિતોના મુદ્દે લોકસભા ચૂંટણી લડાઇ રહી હોવાનું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ભારતના પરંપરાગત રાજકારણને પચાસ વર્ષે પહેલી વાર સુખદ વળાંક મળી રહ્યો છે. શક્ય છે સુપરપાવર બનવાની આપણી સફરમાં એ જ વળાંક ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય.

Sunday, April 13, 2014

રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રદ્રોહ?


આ દેશમાં રાષ્ટ્રપ્રેમના નામે ઘણી વાર ભયંકર હદની છૂટછાટ લેવાતી હોય છે. ભારતની બહુધા પ્રજાને એ છૂટછાટ અંગે ખ્યાલ નથી અગર તો ખ્યાલ હોવા છતાં તેને એ બાબતે કશી ફિકરચિંતા નથી. બે દાખલા તપાસવા જેવા છે.


(૧) ભારતના કેટલાક સિનામાગૃહોમાં ફિલ્મનો શો શરૂ થતાં પહેલાં આપણા રાષ્ટ્રગીતની ટૂંકી વિડિઓ દર્શાવવામાં આવે છે. એક વિડિઓમાં ભારતના કેટલાક ખ્યાતનામ ગાયકો રાષ્ટ્રગીત લલકારતા દેખાય છે. એક ગંભીર ખામી વિડિઓમાં જોવા મળે છેઃ રાષ્ટ્રગીત લલકારતી વખતે કલાકારો પોતાની બોડી લેંગ્વેજનો છૂટથી ઉપયોગ કરે છે. અર્થાત્ અમુક ગાયકો પોતાના હાથ હવામાં લહેરાવે છે, કેટલાકના ચહેરા પર શાસ્ત્રીય સંગીત ગાતા હોવાના ભાવ પ્રગટ થાય છે, તો લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા કેટલાક ગાયકો તો સ્મિત લહેરાવતા દેખાય છે. ગીત-સંગીતની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો તો પણ રાષ્ટ્રગીતને તે લાગૂ પાડી શકાય નહિ. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રગીત છે, સામાન્ય ગીત-સંગીત નથી. દેશની તે ઓળખાણ છે, માટે તેનું ગાયન મોભાદાર રીતે તેમજ પૂરા માન-સમ્માન સાથે થવું જ જોઇએ. ઓર્ડિનરી ગીતની કે ગઝલની માફક તેને ગાઇ શકાતું નથી. ગાયન વખતે તેની મર્યાદા તેમજ મલાજો જળવાવા જોઇએ--અને તેમાં કોઇપણ પ્રકારની છૂટછાટને અવકાશ નથી, છતાં રાષ્ટ્રપેમના નામે છૂટછાટ લેવાય છે. કોઇ એ છૂટછાટ સામે વાંધો કે વિરોધ લેતું નથી.
(૨) બીજો દાખલો ૨૬ જાન્યુઆરી તેમજ ૧પ ઓગસ્ટના દિવસોએ થતા રાષ્ટ્રધ્વજના ખૂલ્લેઆમ અપમાનનો છે. ભારતની પ્રજામાં એ બેય દિવસે ગજબનો રાષ્ટ્રપ્રેમ પેદા થાય છે, જેને પ્રદર્શિત કર્યા વિના તે રહી શકતી નથી. રાષ્ટ્રપ્રેમ જતાવવામાં કશું ખોટું નથી. મુદ્દાની વાત જુદી છેઃ રાષ્ટ્રપ્રેમ માત્ર ૨૬ જાન્યુઆરી અને ૧પ ઓગસ્ટના દિવસોએ જ કેમ એકાએક જાગ્રત થાય છે ? અને માનો કે જાગ્રત થાય છે તો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રપ્રેમનો દેખાડો કરવાની જરૂર શી છે? દેશ માટે કંઇક સારૂં કરી છૂટો (દાખલા તરીકે ગરીબ બાળકોને વિનામૂલ્યે પુસ્તકો કે પછી નોટબૂકો આપો) એ પગલું ધ્વજ લહેરાવવા કરતાં બેશક નક્કર અને ફળદ્રુપ છે. પ્રજાનો ‘રાષ્ટ્રપ્રેમ’ જોતાં સ્વાતંત્રદિને તેમજ પ્રજાસત્તાકદિને આપણા શહેરોના રસ્તા પર પ્લાસ્ટિકના ત્રિરંગા છૂટથી વેચાય છે; છૂટથી ખરીદાય પણ છે--અને તે વાત ગર્વ લેવા જેવી છે. પરંતુ બીજી તરફ ખેદની વાત એ છે કે સવારે જે ઉત્સાહ તેમજ ઉમળકાથી ત્રિરંગો ખરીદવામાં આવ્યો હોય તે સાંજ પડતા રસ્તે રઝળતો (રીપિટ, રસ્તે રઝળતો) જોવા મળે છે. (અહીં એ દ્રશ્યની તસવીર મૂકવા જેટલું પણ મનોબળ એકઠું થઇ શકતું નથી). આ દ્રશ્ય દરેક રાષ્ટ્રપ્રેમીની આંતરડી બાળી મૂકે તેવું છે, છતાં ઘણા ખરા લોકો મૂંગા મોઢે તથા ઠંડા કલેજે એ દ્રશ્ય જોતા રહે છે. જમીન પર પડેલા ત્રિરંગાને ઊઠાવી લેવાની તસ્દી લેવાનુંય તેમને સૂઝતું નથી. રાષ્ટ્રપ્રેમનું આટલું જલદી બાષ્પીભવન કેમ થઇ જાય છે ?

સરેરાશ ભારતીય આજે પોતાના રાષ્ટ્રધ્વજને મુક્તપણે લહેરાવી શકે છે, પણ કેટલાંક વર્ષ પહેલાં એમ કરવું શક્ય નહોતું. નવીન જિન્દલ નામના ઉદ્યોગપતિએ ભારતના દરેક નાગરિકને ધ્વજ લહેરાવવાનો તેમનો મૂળભૂત અધિકાર શી રીતે અપાવ્યો તે વાંચો--

ચોવીસ વર્ષની યુવાન વયે પણ વ્યક્તિ ધારે તો દેશમાં કેટલું મોટું પરિવર્તન આણી શકે તેનો દાખલો નવીન જિન્દલ છે. પરિવર્તન લાવવા માટે જિન્દલે ઘણી મુસીબતો વેઠવી પડી એ પણ ખરૂં. મુસીબતોનો આરંભ સપ્ટેમ્બર ૬, ૧૯૯૪ ના રોજ થયો, જ્યારે મધ્ય પ્રદેશમાં બિલાસપુરના એસ. પી. દૂબે નામના કમિશ્નરે રાયગઢ ખાતે આવેલી નવીન જિન્દલની ફેક્ટરી પર ત્રિરંગો લહેરાતો જોયા બાદ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલી તે ફરજિયાત ઉતરાવ્યો. ત્રિરંગાને કાયદા-કાનૂનનું નહિ, પરંતુ દરેક ભારતવાસીના દેશાભિમાનનું પ્રતીક ગણતા જિન્દલને થયું કે આમ નાગરિક જો ત્રિરંગાને માનભેર અને ગૌરવભેર ફરકાવી ન શકે તો એ રાષ્ટ્રધ્વજ શેનો ? જિન્દલના મતે સરકારે રાષ્ટ્રધ્વજને સરકારી ધ્વજ બનાવી દીધો  હતો. સરકાર તેનાં મકાનો પર અને મોટરો પર ત્રિરંગો લહેરાવે એ ચાલે, પરંતુ Flag Code નામના કાયદા મુજબ નાગરિકોને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટ સિવાયના દિવસોએ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવાની છૂટ ન હતી. હકીકતે એ ‘ગુનો’ સજાપાત્ર બનતો હતો.

દેશના રાષ્ટ્રધ્વજનો મામલો સાધારણ વ્યક્તિને પોતાનો વ્યક્તિગત મામલો ન લાગે, પણ નવીન જિન્દલે તેને પોતાના આત્મગૌરવનો પ્રશ્ન ગણી ફેબ્રુઆરી ૨, ૧૯૯૫ ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં સરકારને પડકારી અને કોર્ટે તેમને રાયગઢની ફેક્ટરી પર ધ્વજ ફરકતો રાખવાની છૂટ આપી. ત્રિરંગા વડે પોતાનું દેશાભિમાન વ્યક્ત કરવાનો તેમનો મૂળભૂત બંધારણીય અધિકાર માન્ય રાખ્યો. સરકાર જાણે કે પોતાની મોનોપોલી છોડવા તૈયાર ન હતી. ફેબ્રુઆરી ૭, ૧૯૯૬ ના દિવસે તેણે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને હાઇકોર્ટના ચુકાદા સામે મનાઇહુકમ મેળવ્યો. આ હુકમના અનુસંધાનમાં નવીન જિન્દલે ફેક્ટરી પરનો રાષ્ટ્રધ્વજ સંકેલી લેવો પડે તેમ હતો, પણ તેઓ મક્કમ રહ્યા. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ચાલુ રાખ્યું. આથી કેન્દ્ર સરકારે તેમની સામે કોર્ટના અનાદરનો નવો કેસ દાખલ કર્યો. આ તબક્કે ભલભલો આંદોલનકાર ઢીલો પડી જાય, પરંતુ જિન્દલ મક્કમ રહ્યા. 

લાંબી અગ્નિપરીક્ષાનો સુખદ અંત જાન્યુઆરી ૨૩, ૨૦૦૪ ના દિવસે આવ્યો, જ્યારે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો. સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ચોપ્પન વર્ષે સાચા અર્થમાં સ્વતંત્ર થયો.

આ ‘સ્વતંત્રતા’ના ભારતની પ્રજાએ મૂળિયાં ચાવી નાખ્યાં છે. દર ૨૬મી જાન્યુઆરીએ તથા ૧પમી ઓગસ્ટે ભારતનો ત્રિરંગો રસ્તાની ધૂળ ખાતો પડ્યો હોય છે. ફ્લેગ કોડની સરેઆમ ઐસીતૈસી થતી રહે છે, છતાં તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. રાષ્ટ્રપ્રેમના નામે સબ ચલતા હૈ!