Monday, June 23, 2014

‌દિલ્‍લીમાં નવી ‌ગિલ્‍લી એ ખેલવા જેવો પહેલો દાવ : શસ્‍ત્રોનું નવીનીકરણ

ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોએ ભારતમાંથી હંમેશ માટે વિદાય લીધી ત્યારે લગભગ ૩૨ લાખ ચોરસ કિલોમીટરનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આપણા દેશના લશ્કરી સંરક્ષણ માટે તેઓ પરચૂરણ શસ્ત્રો મૂકતા ગયા હતા. ભારતીય ખુશ્કીદળને તેમણે પ્રથમ વિશ્વયુદ્ધના સમયની .૩૦૩ એન્ફિલ્ડ રાઇફલો, કેટલીક જૂનવાણી સબ-મશીનગન તથા ૨૫ રતલી ગોળા ફેંકી શકતી 25-Pounder કહેવાતી તોપો આપી હતી. હવાઇદળને વાપીતી અને ડાકોટા પ્રકારનાં વિમાનો સુપરત કર્યાં હતાં, તો નૌકાદળને અડધો ડઝન મનવારો સોંપી હતી. ઉપરાંત મોર્ટાર અને પેટ્રોલ બોટ જેવાં થોડાંક આચરકૂચર શસ્ત્રો હતાં, જેમના વડે કદી યુદ્ધ જીતી શકાય નહિ. ભારતનો શસ્ત્રભંડાર કંગાળ હતો, છતાં એ બાબતે તત્કાલીન વડા પ્રધાન પંડિત નેહરુ ગાફેલ રહ્યા. શસ્ત્રોના આધુનિકરણમાં તેમણે બિલકુલ રસ ન દાખવ્યો. છેવટે શસ્ત્રોનો પ્રશ્ન આપમેળે જ નેહરુનું ધ્યાન ખેંચનારો બન્યો. પાકિસ્તાને ઓક્ટોબર, ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતીય જવાનો પાસે એ જમાના પ્રમાણે લાકડાની તલવાર જેવાં શસ્ત્રો હતાં. પહાડી મોરચે ખેલાયેલા એ યુદ્ધે અનેક જવાનોનો ભોગ લીધો અને તે બલિદાનો સાથે ભારતે કાશ્મીરનો લગભગ પોણો લાખ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ ગુમાવ્યો. યુદ્ધની શુભ અસર જોવા મળી હોય તો એટલી કે નેહરુ સરકારે લશ્કરની ત્રણેય પાંખો માટે આધુનિક શસ્ત્રો આયાતી ધોરણે વસાવવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. દેશનું સંરક્ષણ બજેટ વધારી દેવામાં આવ્યું.

આ નિર્ણયના પગલે થયું એવું કે પશ્ચિમી દેશો બીજા વિશ્વયુદ્ધ પછી તેમનાં વધી પડેલાં શસ્ત્રો ગમે તેમ કરી ભારતને પધરાવી દેવા માટે તત્પર બન્યા. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ વગેરેએ પોતાના ચલતા પુરજાછાપ સેલ્સમેનોને નવી દિલ્હી ખાતે નીમી દીધા. ડિફેન્સ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતના રાજકર્તાઓનું જ્ઞાન બિલકુલ શૂન્ય હતું, જેનો શસ્ત્રોના સેલ્સમેનોએ બરાબર લાભ લીધો. છેવટે શસ્ત્રોના લગભગ દરેક સોદામાં પરદેશી શસ્ત્રઉત્પાદકો ખાટી ગયા અને ભારત ખોટમાં ગયું. આવો ક્રમ ભારતના દુર્ભાગ્યે લાંબો ચાલ્યો. દરમ્યાન શસ્ત્રખરીદીમાં જે કૌભાંડો (દા.ત. બોફર્સ તોપનું કટકી કૌભાંડ) થયા તે રાજકીય મુદ્દા બન્યા અને શસ્ત્રાગારના આધુનિકરણ માટે અડચણરૂપ પણ બન્યા.
પા‌કિસ્‍તાન સામે કાર‌ગિલ યુદ્ધમાં ભારતની બોફર્સ તોપોઅે પોતાનો ફાયરબ્રાન્ડ ‌મિજાજ દુશ્મનને બતાવ્‍યો હતો. ૧૯૮૦ના દસકામાં ખરીદાયેલી અે તોપો આજે ખુશ્‍કીદળ માટે જૂનવાણી સાબિત થઇ રહી છે.
આનું પરિણામ આજે નજર સમક્ષ છે. ભારતના શસ્ત્રાગારની સ્થિતિ વધુ-ઓછા અંશે ઓગસ્ટ, ૧૯૪૭માં હતી તેવી છે. આપણાં ઘણાંખરાં શસ્ત્રો પોતાની ટેક્નોલોજિકલ આવરદા વટાવી ગયાં છે. ભૂતપૂર્વ ખુશ્કી સેનાપતિ જનરલ વી. કે. સિંહે જણાવ્યું હતું તેમ આપણો ૯૭% શસ્ત્રભંડાર બિલકુલ આઉટડેટેડ છે. આ આંકડો ટાંકવામાં તેમણે લગીરે અતિશયોક્તિ કરી હોય એમ જણાતું નથી. આનું કારણ છે . એક તરફ આપણે સ્વદેશી ટેક્નોલોજિ વડે આધુનિક શસ્ત્રો સમયસર અને પૂરતી સંખ્યામાં બનાવી શક્યા નથી, તો બીજી તરફ અદ્યતન પ્રકારનાં આયાતી શસ્ત્રોની ખરીદી માટે પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવતું નથી. અમેરિકા તેના GDP/રાષ્ટ્રીય ઘરેલુ ઉત્પાદનના ૪.૯% જેટલી માતબર રકમ ડિફેન્સના નામે ખર્ચી નાખે છે. ચીનને લગતો બિનસત્તાવાર આંકડો ૩.૨% છે. ભારતે ચાલુ વર્ષે GDPના માત્ર ૧.૭૪% જેટલું બજેટ દેશના સંરક્ષણ માટે ફાળવ્યું છે. આવી કંજૂસાઇનો કશો અર્થ ખરો ? ખાસ કરીને એવે વખતે કે જ્યારે અરુણાચલ પ્રદેશના મુદ્દે ચીનનું વલણ પ્રતિદિન આક્રમક બનતું જાય છે અને સાથોસાથ તેની લશ્કરી આક્રમણશક્તિ સતત વધતી જાય છે. ચીનના મગજનો ચડી રહેલો પારો જોતાં ભારતે જો ૧૯૬૨ના યુદ્ધ જેવી નામોશી ટાળવી હોય તો જરાય વખત ગુમાવ્યા વગર ત્રણેય લશ્કરી દળોને રીતસર યુદ્ધના ધોરણે શસ્ત્રસજ્જ કરવાં જોઇએ.

આ માટે નવી સરકારે સૌ પહેલાં તો દેશનું સંરક્ષણ બજેટ વધારી દેવાની જરૂર છે. બીજું કરવા જેવું કામ એ કે અત્યાર સુધી શસ્ત્રોના દરેક સોદા ભારતની ભૂતપૂર્વ સરકારોએ વિદેશી સપ્લાયર કંપનીની શરતોને (તેમજ અમુક કેસોમાં દાદાગીરીને) આધિન થઇને પાર પાડ્યા છે. હવે નવી સરકારે કડક પોલિટિકલ વલણ અપનાવી દરેક સોદો ભારતની તરફેણમાં થાય અને સોદાની કામગીરી વિલંબિત તાલમાં ન ચાલે એ જોવું રહ્યું. ત્રીજું, આયાતી શસ્ત્રો પર પૂરેપૂરો મદાર રાખવાને બદલે સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજિને પ્રોત્સાહન આપી તેજસ વિમાન, આકાશ, પૃથ્વી અને અગ્નિ મિસાઇલો, અર્જુન રણગાડી વગેરે પ્રોજેક્ટસ તાકીદે પાર પાડવા જોઇએ. 

સાડા છ કરોડ વર્ષ પહેલાં વિનાશકારી લઘુગ્રહની પછડાટે પૃથ્વી પર ડાયનોસોરના ૧૬ કરોડ વર્ષ લાંબા એકચક્રી શાસનનો એક જ સપાટે અંત આણી દીધો હતો. કંઇક એવી જ ઘટના છેક ૧૯૪૭થી એકચક્રી શાસનમાં જકડાઇ ગયેલા ભારતના રાજકારણમાં મે ૧૬, ૨૦૧૪ ના રોજ બની. આશા રાખીએ કે તે ઘટના ‘યુગપરિવર્તક’ સાબિત થાય અને ભારત તેના પડોશી દુશ્મનો સામે બાંયો ચડાવવાનું લશ્કરી તેમજ નૈતિક બળ દાખવે.