Wednesday, January 28, 2015

પદ્મ અને ભારતરત્નઃ સન્માનના ખિતાબો જ્યારે અપમાનનું કારણ બને

બ્રિટિશરાજ દરમ્યાન અંગ્રેજ હકૂમત તેના મનપસંદ અગ્રણી હિંદુ ભારતીયોને રાય સાહેબ તથા રાય બહાદુર, મુસ્લિમોને ખાન સાહેબ તથા ખાન બહાદુર અને શીખોને સરદાર સાહેબ તથા સરદાર બહાદુર જેવા ખિતાબો વડે નવાજતી, પણ સ્વતંત્રતા પછી એ શિરપાવોનું મહત્ત્વ ન રહ્યું. આથી ભારત સરકારે વિજ્ઞાન, કલા, સાહિત્ય અને સમાજકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલા મહાનુભાવોને તેમની સિદ્ધિ મુજબ પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તથા ભારતરત્ન એ ચાર પૈકી જે તે યોગ્ય ખિતાબ આપવાનું ૧૯૫૪માં ઠરાવ્યું. સન્માનની દષ્ટિએ ચારેય ઇલ્કાબો ચડતી ભાંજણીમાં એકમેક કરતાં જુદા દરજ્જાના છે, એટલે દેખીતું છે કે વ્યક્તિની સિદ્ધિ જોડે સુસંગત હોય એ જ ખિતાબ તેને એનાયત કરવો જોઇએ. ૧૯૫૦ના તથા ૧૯૬૦ના દસકામાં અમુક યા તમુક ઇલ્કાબ માટે લાયક વ્યક્તિની પસંદગી કરતી વખતે નિરપેક્ષતાનું અને નીતિમત્તાનું ધોરણ જળવાયું, પણ ત્યાર પછી તેમાં રાજકારણ ભળ્યું. ઘણા એવા કિસ્સા બન્યા કે જ્યારે વ્યક્તિની લાયકાત મૂલવવાને બદલે તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રાજકીય મહત્ત્વ જોઇ તેને ખિતાબ એનાયત કરી પોલિટિકલ લાભ ખટાવવામાં આવ્યો. ક્યારેક વળી પદ્મ અવોર્ડ સન્માન નહિ, પણ અપમાનનો કારણ બન્યો.

અમુક દાખલા: એક સમયે રમતગમતના ક્ષેત્રે ઝળકેલા ખેલાડીઓને પદ્મ ઇલ્કાબ માટે ગણતરીમાં લેવાતા ન હતા, એટલે ભારતના રાષ્ટ્રીય ખેલ હોકીના સમ્રાટ ધ્યાનચંદને એવું સન્માન મળ્યું નહિ. ધ્યાનચંદની ટીમે આમ્સ્ટરડેમ (૧૯૨૮), લોસ એન્જલિસ (૧૯૩૨) તથા બર્લિન (૧૯૩૬) એમ સતત ત્રણ ઓલિમ્પિકમાં ચેમ્પિઅનશિપનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. લોસ એન્જલિસમાં તો અમેરિકન ટીમને તેણે ૨૪-૧ ના સ્કોરથી હરાવી દીધી હતી. ધ્યાનચંદને ભારતરત્ન બનાવવાની તરફેણમાં વ્યાપક લોકમત જોતાં ડિસેમ્બર, ૨૦૧૧માં પદ્મ અવોડ્ઝ માટે રમતગમતનું ક્ષેત્ર ખોલી નાખવામાં આવ્યું. જુલાઇ ૧૬, ૨૦૧૩ના રોજ ભારતના રમતગમત ખાતાના મંત્રી જીતેન્દ્ર સિંહે હોકીસમ્રાટ ધ્યાનચંદને ભારતરત્ન વડે સન્માનિત કરવાનો વિનંતીપત્ર વડા પ્રધાનને પાઠવ્યો, જેના અનુસંધાનમાં ધ્યાનચંદને એ સર્વોચ્ચ ખિતાબ એનાયત કરવાનું ઠરાવવામાં આવ્યું. પરંતુ છેવટે બન્યું એવું કે વડા પ્રધાન કાર્યાલયના એ ફેંસલાનો અમલ થાય તે પહેલાં રાહુલ ગાંધીના કહેવાથી સચિન તેન્ડુલકરનું નામ ભારતરત્ન માટે આગળ કરવામાં આવ્યું. આઘાતની વાત એ કે રાહુલના સૂચનને માન્ય રાખવામાં વડા પ્રધાન કાર્યાલયે પાંચ કલાકથી વધુ સમય લીધો નહિ. તેન્ડુલકરના વિશાળ ચાહકવર્ગનું દિલ જીતવા રાહુલ ગાંધી દ્વારા છેલ્લી ઘડીએ રાજકીય દાવ ખેલવામાં આવ્યો અને પ્રત્યેક હરીફ ટીમને હરાવી ચૂકેલા હોકીસમ્રાટ ધ્યાનચંદને રાજકારણે હરાવી દીધા.
તામિલ નાડુના મતદારોને ખુશ કરવા ૧૯૮૮માં રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકારે તે રાજ્યના મુખ્ય પ્રધાન અને લોકપ્રિય ફિલ્મસ્ટાર એમ. જી. રામચંદ્રનને ભારતરત્નના શિરપાવ વડે નવાજ્યા. વિજ્ઞાની સી. વી. રામન, આઝાદ ભારતના ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, રાષ્ટ્રપતિ (અને બંધારણસભાના અધ્યક્ષ) ડો. રાજેન્દ્ર પ્રસાદ તેમજ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પણ ભારતરત્નો, જેમની સામે અવોર્ડ માટે ઉલ્લેખનીય ગણાય એવી ભાગ્યે જ ઉપલબ્ધિ ધરાવતા ફિલ્મી નટ એમ. જી. રામચંદ્રનને એ ધુરંધરોની હરોળમાં લાવી દીધા.

બેન્ક ઓફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડા સાથે નાણાંકીય છેતરપીંડી કર્યાના આરોપસર જેની સામે ૧૯૯૨માં અને ૧૯૯૪માં CBI દ્વારા પાંચ અદાલતી કેસો મંડાયા એ હોટલમાલિક સંતસિંહ ચટવાલને ૨૦૧૦માં તત્કાલીન સરકારે પદ્મશ્રી જાહેર કર્યા. ઉપરાંત એ જ વર્ષે ફિલ્મ એક્ટર સૈફ અલી ખાન સામે કોર્ટ કેસ ચાલતો હોવા છતાં UPA સરકારે તેને પદ્મશ્રી જાહેર કર્યો. રાજસ્થાનના બિશ્નોઇ લોકોને મન પવિત્ર મનાતા તેમજ વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ રક્ષિત ગણાતા કાળિયારનો તેણે જોધપુર પાસે ગેરકાયદે શિકાર કર્યો હતો.

સૌથી વધુ કટાક્ષમય દાખલો તો સરદાર પટેલને મરણોત્તર એનાયત થયેલા ભારતરત્નનો છે. સરદારને તેમનું અવસાન નીપજ્યાનાં છેક ૪૦ વર્ષે ૧૯૯૧માં યાદ કરાયા એ બાબત તો જાણે નિંદનીય ખરી, પણ તત્કાલીન સરકારે તેમનું સન્માન કરવાના આડંબર હેઠળ અપમાન કર્યું. મરણોત્તર ઇલ્કાબ મેળવવામાં તેમનો ક્રમ રાજીવ ગાંધી પછી બીજો રાખ્યો. જુલાઇ ૬, ૧૯૯૧ના દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં રાજીવ ગાંધીને ભારતરત્ન જાહેર કરાયા ત્યારે સરદારનું પણ એ જ વખતે બહુમાન કરી શકાયું હોત, પરંતુ સરકારે જાણીબૂઝીને એ પગલું ટાળ્યું. આડકતરી રીતે તેણે રાજીવ ગાંધીને સરદાર પટેલ કરતાં ચડિયાતા લેખાવ્યા. સરદારનો ભારતરત્ન અવોર્ડ છ દિવસ પછી તેમના પૌત્ર વિપિન પટેલને જુલાઇ ૧૨, ૧૯૯૧ના રોજ સુપરત કરવામાં આવ્યો.

પદ્મ તેમજ ભારતરત્ન ખિતાબો લાગણીના અને ખાસ તો રાજકારણના પ્રવાહમાં તણાયા વિના ૫૦% કોમન સેન્સ અને ૫૦% લોજિક વડે નિરપેક્ષ ભાવે આપવામાં આવે એમાં જ સાર છે. એમાં તેમની ગરીમા પણ રહેલી છે. 

Refernce Link: BHARAT RATNA: List of Recipients

-copied from another blog :

એક નજર આ તરફ...: harshal pushkarna

http://harshalpushkarna.blogspot.in/2014_09_01_archive.html