બ્રહ્માંડની યાત્રાએ લઈ જતી સાયન્સ ફિક્શનથી લઈને પૌરાણિક પશ્ચાદ્ભૂ ધરાવતી કથા સુધીની કેટલીય વેરાઇટી હોલિવૂડની આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં જોવા મળવાની છે
બરાબર એક વર્ષ પછી ઓસ્કર સમારોહમાં કયાં નામો ઊછળી રહ્યાં હશે? બીજા શબ્દોમાં કહીએ તો આ વર્ષે હોલિવૂડની કઈ ફિલ્મો ધૂમ મચાવવાની છે? જોઈએ.
રસલ ક્રો બબ્બે વખત ઓસ્કર જીતી ચૂકેલો એક્ટર છે, તેથી એની દરેક ફિલ્મ આપોઆપ 'મોસ્ટ અવેઇટેડ' બની જાય છે. રસલ હાલ 'નોઆહ' નામની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. બાઇબલની એક જાણીતી કથા છે. મનુષ્યોનાં પાપનો ઘડો ભરાઈ જવાથી સઘળું નષ્ટ થઈ જવાની સ્થિતિ આવી ગઈ છે. નોઆહ નામના આદમીને દૈવી સંદેશ મળે છે કે તું એક વિરાટ નૌકા બનાવ કે જે આવનારા ભયાનક પૂરમાં તરતી રહી શકે. નોઆહ માણસો ઉપરાંત પશુ-પક્ષીઓને જોડીમાં નૌકા પર આશરો આપે છે કે જેથી સર્વનાશ પછી પણ જીવસૃષ્ટિનું ચક્ર ચાલતું રહે. ફિલ્મનો વિષય જ એવો રસપ્રદ છે કે એના પરથી બનનારી ફિલ્મમાં તબલાંતોડ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ લાવ્યા વગર છૂટકો નથી. 'નોઆહ'ની હિરોઇન જેનિફર કોનેલી છે. મતલબ કે 'ધ બ્યુટીફૂલ માઇન્ડ'ની જોડી અહીં રિપીટ થઈ છે. ૧૩૦ મિલિયન ડોલરના ખર્ચે બની રહેલી 'નોઆહ'ની રાહ જોવાનું ઔર એક સજ્જડ કારણ છે એના ડિરેક્ટર. નતાલી પોર્ટમેનને ઓસ્કર અપાવનાર અફલાતૂન ફિલ્મ 'બ્લેક શ્વાન'વાળા ડેરેન એરોનોફસ્કી 'નોઆહ' ડિરેક્ટ કરી રહ્યા છે.
બાઇબલ પરથી ઔર એક ફિલ્મ આવી રહી છે - 'એક્ઝોડ્સ'. રિડલી સ્કોટ ('થેલ્મા એન્જ લુઇસ', 'ગ્લેડિયેટર') એના ડિરેક્ટર છે. 'અમેરિકન હસલ' ફેમ ક્રિસ્ટિઅન બેલ આ ફિલ્મમાં મોસસ તરીકે દેખાશે. ફિલ્મમાં બેન 'ગાંધી' કિંગ્સલે પણ છે. જોઈએ, આ વર્ષે કોણ મેદાન મારે છે - નોઆહ તરીકે રસલ ક્રો કે પછી મોસસ તરીકે ક્રિસ્ટિઅન બેલ.
'નોઆહ'માં વિરાટ નૌકામાં સવાર થઈને તરતા રહેવાની વાત છે, તો 'ધ ક્રોસિંગ'માં દરિયાઈ માર્ગે એક દેશ છોડીને બીજા દેશમાં જવાનું સાહસ છે. 'ફેસ ઓફ' અને 'મિશન ઇમ્પોસિબલ-ટુ' જેવી ફિલ્મો બનાવનાર જોન વૂ ચાર વર્ષે 'ધ ક્રોસિંગ' લઈને આવ્યા છે. ૧૯૪૯ના રાજકીય વિદ્રોહના માહોલમાં ત્રણ યુગલો જીવ બચાવીને દક્ષિણ ચીનથી તાઇવાન નાસી જવા સમુદ્રી રસ્તો પકડે છે. આ ફિલ્મને અત્યારથી 'ચાઇનીઝ ટાઇટેનિક'નું બિરુદ મળી ગયું છે. ચીન અને સાઉથ કોરિયાના કેટલાક ટેલેન્ટેડ એક્ટર્સને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે.
એકાધિક ઓસ્કર ઉસરડી જનાર 'આર્ગો' પછી એક્ટર-ડિરેક્ટર બેન એફ્લેકનું નામ મોટું થઈ ગયું છે. આ વર્ષે ઓક્ટોબરમાં તેની'ગોન ગર્લ' નામની ફિલ્મ આવશે. આમાં બેન એફ્લેક કેવળ અભિનેતા છે, ડિરેક્શન ડેવિડ ફિન્ચરનું છે. એક નવલકથા પર આધારિત આ ફિલ્મની વાર્તા ચાર લાઇનમાં કહેવી હોય તો, આમાં એફ્લેક અને એની પત્ની પાંચમી વેડિંગ એનિવર્સરી મનાવી રહ્યાં છે. એ જ દિવસે પત્ની અચાનક ગાયબ થઈ જાય છે. એક શક્યતા એવીય ઊભી થાય છે કે ખુદ એફ્લેકે એની હત્યા કરી નાખી હોય. શું રહસ્ય છે આની પાછળ? ફિલ્મમાં ઘણાં ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ છે. મસ્તમજાનું થ્રિલર હશે એવું લાગી રહ્યું છે ફિલ્મની વિગતો વાંચીને.
વાત જો થ્રિલની જ હોય તો ક્રિસ્ટોફર નોલનની 'ઇન્સેપ્શન' આપણાં સૌનાં મનમાં હજુ તાજી છે. નોલનની આગામી ફિલ્મની એના ચાહકો અધ્ધરજીવે રાહ જોઈ રહ્યા છે. એનું ટાઇટલ છે, 'ઇન્ટરસ્ટેલર'. આ એક સ્પેસ સાયન્સ ફિક્શન છે. કથા કંઈક આવી છે. દુનિયામાં વસ્તી એટલી બધી વધી ગઈ છે અને ઋતુઓ એટલી ભયાનક થઈ ગઈ છે કે પૃથ્વી પર હવે વધારે સમય રહી શકાય તેમ નથી. જો બીજા કોઈ ગ્રહ પર શિફ્ટ થવાય તો જ માણસ જાતિ બચી શકે તેમ છે. અત્યાર સુધી અવકાશમાં દૂર સુધી જવામાં એક માનવીય મર્યાદા અંતરાયરૂપ બનતી હતી, પણ સાહસિકોની એક ટુકડીને એવી કશીક તરકીબ જડી જાય છે કે જેની મદદથી તેઓ બ્રહ્માંડમાં કલ્પી ન શકાય એટલું અંતર કાપી શકે છે. આ ફિલ્મ આ વર્ષે જોરદાર તરખાટ મચાવશે એ તો નક્કી. જોકે, આપણે બહુ રાહ જોવી પડશે, કારણ કે 'ઇન્સ્ટરસ્ટેલર' છેક નવેમ્બરમાં રિલીઝ થવાની છે. 'ઇન્સ્ટસ્ટેલર'ની માફક 'ટ્રાન્સેન્ડેન્સ'પણ સાઈ-ફાઈ (સાયન્સ ફિક્શન) છે. આમાં જોની ડેપ એક કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ બન્યા છે. નવી ટેક્નોલોજી વડે એ માણસના દિમાગનું મેપિંગ કરી રહ્યા છે. કશીક ટ્રેજેડી થાય છે અને એની પત્ની રેબેકા હોલે ખુદનું માઇન્ડ કમ્પ્યૂટરમાં 'અપલોડ' કરવું પડે છે! આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્યની બૌદ્ધિક ક્ષમતાને પણ ઓળંગી જાય તો શું થાય? ફિલ્મના પાયામાં આ સવાલ છે. પ્રશ્ન જેટલો ઇન્ટરેસ્ટિંગ છે, ફિલ્મ એટલી જ મજેદાર હોવાની. 'ધ ડાર્ક નાઇટ' સિરીઝ, 'ઇન્સેપ્શન' અને 'મનીબોલ' જેવી સુપરહિટ ફિલ્મોની ફાંકડી સિનેમેટોગ્રાફી કરનાર વોલ ફિસ્ટર પહેલી વાર 'ટ્રાન્સેન્ડેન્સ'માં ડિરેક્ટર બન્યા છે. જોની ડેપની ઔર એક ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે- 'ઇન ટુ ધ વુડ્સ'. ઝાકઝમાળભરી મ્યુઝિકલ 'શિકાગો' બનાવનાર રોબ માર્શલ આ ફિલ્મના ડિરેક્ટર છે.
હોલિવૂડની વીતેલા જમાનાની એક્ટ્રેસ ગે્રસ કેલી એક દંતકથારૂપ નામ છે. એના જીવન પરથી એક ફિલ્મ બની રહી છે, 'ગ્રેસ ઓફ મોનેકો'. ગ્રેસ કેલીએ મોનેકોના પ્રિન્સ રેઇનીઅર ત્રીજા સાથે લગ્ન કર્યાં હતાં. ૧૯૬૦ના દાયકામાં ફ્રાન્સે મોનેકો પર આક્રમણ કર્યું હતું, પણ કેલીના પ્રયત્નોથી કટોકટી ટળી હતી. આ એક સત્યઘટના છે. ટાઇટલ રોલ નિભાવ્યો છે નિકોલ કિડમેને. ગ્રેસ કેલીથી સીધા એન્જેલિના જોલી પર આવીએ. હોલિવૂડની આ સુપરસ્ટારની 'મેલિફિસન્ટ' નામની ફિલ્મ આ વર્ષના મધ્યમાં આવવાની છે.
નિકોલ કિડમેનના એક્સ હસબન્ડ ટોમ ક્રુઝ શું કરે છે આજકાલ? જવાબ છે, 'એજ ઓફ ટુમોરો' નામની ફિલ્મ. 'વોર ઓફ ધ વર્લ્ડ્ઝ'માં આપણે ટોમભાઈને એલિયન્સ સામે બાખડતા જોયા હતા. આ કામ જાણે અધૂરું રહી ગયું હોય તેમ 'એજ ઓફ ટુમોરો'માં પણ ટોમ ક્રુઝ પરગ્રહવાસીઓ સામે નવેસરથી સંઘર્ષ કરશે. વાર્તા કંઈક એવી છે કે ટોમ આમાં બિનઅનુભવી સોલ્જરનો રોલ નિભાવે છે. જો એ વારંવાર મૃત્યુ પામે તો જ એલિયન્સને અટકાવી શકે તેમ છે! 'ઓલ યુ નીડ ઇઝ કિલ' નામની જાપાની નોવેલ પરથી આ ફિલ્મ બની રહી છે. બ્લોકબસ્ટર બનવાનો એમાં પૂરો મસાલો છે. 'ધ બોર્ન આઇડેન્ટિટી' ફેમ ડગ લિમેન તેના ડિરેક્ટર છે.
'ધ હન્ડ્રેડ-યર-ઓલ્ડ મેન હુ ક્લાઇમ્બ્ડ આઉટ ધ વિન્ડો એન્ડ ડિસઅપીઅર્ડ'. આ વાક્ય નથી, ફિલ્મનું લાંબુંલચ ટાઇટલ છે! જોનાસ જોનાસન નામના લેખકના બેસ્ટસેલર પુસ્તક પર આધારિત આ ફિલ્મની થીમ કમાલની છે. સો વર્ષના એક દાદાજી છે. એમનો જીવનરસ હજુય ઓછો થયો નથી. એમને થાય છે કે સદી ફટકારી દીધી તો શું થઈ ગયું, હું હજુય મારું જીવન નવેસરથી શરૂ કરી શકું તેમ છું. સૌમ્ય જોશીના અફલાતૂન નાટક '૧૦૨ નોટ આઉટ'ના પેલા ઊર્જાથી છલકતા વૃદ્ધ પિતાજી યાદ આવી ગયાને?
આ સિવાય આ વર્ષે ટિપિકલ બ્લોકબસ્ટર ફિલ્મો તો આવવાની છે જ. જેમ કે, 'ગોડઝિલા', 'ડોન ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ', 'ધ હંગર ગેઇમ્સઃ મોકિંગજે પાર્ટ વન', 'ધ અમેઝિંગ સ્પાઇડરમેન - ટુ', 'ધ એકપાન્ડેબલ્સ - થ્રી', 'ટ્રાન્સફોર્મર્સ - ફોર', 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ - સેવન', 'થ્રી હન્ડ્રેડઃ રાઇઝ ઓફ એન અમ્પાયર' વગેરે. વળી, કામરસથી છલકાતી બેસ્ટસેલર 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'પરથી બની રહેલી ફિલ્મ પણ ઘણું કરીને આ જ વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મોની આ સૂચિ અફકોર્સ સંપૂર્ણ નથી જ. અહીં ઉલ્લેખ પામી ન હોય એવી કેટલીય ફિલ્મો હોવાની જે આ વર્ષે તરખાટ મચાવશે. એન્જોય!
(Reference Sandesh newspaper columm 'multiplex' article of Sishir Ramavat)
No comments:
Post a Comment